તાપી વ્યારા

તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ શનિવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લામાં મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા પાત્ર નાગરિકો તેમજ પ્રથમ વખત મતદાર તરીકે નોંધણી માટે પાત્ર ૧૮-૧૯ વર્ષના યુવા મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ સંદર્ભે પત્રકાર પરિષદ યોજી હતી.
કલેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યુ કે, ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના અનુસાર SIRની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તેવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી તથા મતદાર નોંધણી અધિકારી દ્વારા સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા તેમજ યુવા/પ્રથમ વખત મતદાર તરીકે પાત્ર બનેલા નાગરિકોની નોંધણી માટે વિશેષ ઝુંબેશનો કાર્યક્રમ જાહેર કરાયો છે.
કલેક્ટર દેવ ચૌધરીએ ઉમેર્યુ કે, જિલ્લામાં સમાવિષ્ટ સર્વે વિધાનસભા મતદાર વિભાગમાં તા.૦૧/૧૦/૨૦૨૬ થી સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા હેઠળ બાકી રહી ગયેલા તમામ પાત્ર નાગરિકો અને ૧૮-૧૯ વર્ષના યુવા મતદારોની નોંધણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.
જિલ્લામાં સમાવિષ્ટ સર્વે વિધાનસભા મતદાર વિભાગમાં તા.૧૧/૧૦/૨૦૨૬ (રવિવાર), તા.૧૮/૧૦/૨૦૨૬ (રવિવાર), તા.૨૫/૧૦/૨૦૨૬ (રવિવાર) તથા તા.૦૧/૧૧/૨૦૨૬ (રવિવાર) ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે નક્કી કરવામાં આવેલ છે. જે સમયગાળા દરમ્યાન બુથ લેવલ ઓફિસર મતદાન મથકના સ્થળ ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી હાજર રહીને હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકાર કરવાની કામગીરી હાથ ધરશે.
તેમણે ઉમેર્યુ કે, મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા તેમજ યુવા/પ્રથમ વખત મતદાર તરીકે પાત્ર બનેલા નાગરિકો સંબંધિત મતદાન મથકે હાજર રહી જરૂરી પુરાવા સાથે બુથ લેવલ અધિકારી સમક્ષ હક દાવા તથા વાંધા અરજી રજૂ કરી શકે છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત નોન SIR સમયગાળા માટે “મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦” અનુસાર નિયત ફોર્મ્સ ઉપયોગમાં લેવાના રહેશે.
પત્રકાર પરિષદમાં તેમણે યુવા મતદારોને મતદાનનું મહત્વ સમજાવવા તથા તેના પ્રચાર-પ્રસારમાં સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો.








