તાપી ઉકાઈ


તાપી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. માનનીય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દેવ ચૌધરીની કડક સૂચના અનુસાર તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર ડૉ. એસ. જે. ગાયકવાડ (વ્યારા) ના સીધા માર્ગદર્શન હેઠળ ઉકાઈ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત ઉકાઈના ગુણસદા ગામે આવેલ એક વિસ્ફોટક ગોડાઉનમાં ગંભીર બેદરકારી સામે આવતા તેને તાત્કાલિક અસરે સીલ મારી દેવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એચ. વી. દુધાત (ઉકાઈ) અને તેમની ટીમ દ્વારા મોજે: ગુણસદા (ચચરબુંદા), તાલુકો ઉકાઈ, જિલ્લો તાપી ખાતે આવેલ ખાતા નંબર ૨૩૭, સર્વે નંબર ૩૬૯, ક્ષેત્રફળ હેક્ટર-આરે-ચો.મી. ૧-૬૧-૮৮ વાળી જમીન પર આકસ્મિક રેડ કરવામાં આવી હતી. આ જમીન ખેડૂત ખાતેદાર નિર્મળાબેન શિવાભાઇ ગામીતની માલિકીની છે, જેમાં ‘ચારભુજા વિસ્ફોટક/એક્સપ્લોઝીવ ગોડાઉન’ આવેલું છે. આ ગોડાઉનની આકસ્મિક તપાસણી દરમિયાન સુરક્ષાને લગતી અનેક ગંભીર ક્ષતિઓ અને નિતિનિયમોના ભંગ માલુમ પડ્યા હતા.
ગોડાઉનમાં તપાસ દરમિયાન મળેલી મુખ્ય ક્ષતિઓ:
નિયમ મુજબ કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો સ્થળ પર ઉપલબ્ધ ન હતા.
૨૪×૭ કાર્યરત રહેતા કોઈ તાલીમબદ્ધ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા નહોતા.
આસપાસ કોઈ સેફ્ટી વોલ (સુરક્ષા દીવાલ) બનાવવામાં આવી નહોતી.
જોખમ દર્શાવતા અનિવાર્ય ચેતવણીના ચિહ્નો કે બોર્ડ પ્રદર્શિત કરાયા નહોતા.
ગોડાઉનની એકદમ નજીક અત્યંત જોખમી રીતે સૂકું ઘાસ અને બળતણના લાકડાનો જથ્થો પડેલો જોવા મળ્યો હતો.
આવી ગંભીર ક્ષતિઓના કારણે કોઈ આકસ્મિક સંજોગોમાં કે અકસ્માત સમયે મોટી અને ભયાનક દુર્ઘટના સર્જાવાની તેમજ મોટા પાયે જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી હતી. જનતાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ઉકાઈની ટીમ દ્વારા સ્થળ પર જ ‘ચારભુજા વિસ્ફોટક/એક્સપ્લોઝીવ ગોડાઉન’ ને સીલ કરવાની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી ગેરકાયદેસર અને નિયમોના ભંગ સાથે ચાલતા અન્ય એકમોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.










