વ્યારા
તાપી જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલીયાના અધ્યક્ષસ્થાને આત્મા પ્રોજેક્ટ (ATMA) તાપી વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત ૩૮મી ગવર્નિંગ બોર્ડ બેઠક જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાઈ હતી.
બેઠક દરમિયાન વર્ષ ૨૦૨૫-૨૬ માટે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટેની યોજનાઓ, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન, તાલીમ કાર્યક્રમો, કૃષિ પ્રદર્શન, ખેડૂત મુલાકાત કાર્યક્રમો સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકતા વધારવા, નવીન ખેતી પદ્ધતિઓનો પ્રચાર-પ્રસાર કરવા અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે વિવિધ કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવી.
જિલ્લા વિકાસ અધિકારીએ આત્મા પ્રોજેક્ટ હેઠળની પ્રવૃત્તિઓ સમયબદ્ધ, પારદર્શક અને પરિણામલક્ષી રીતે અમલમાં મૂકવા સૂચના આપી હતી. તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓને સમન્વયપૂર્વક કામગીરી કરી ખેડૂતોને વધુમાં વધુ લાભ પહોંચાડવા પર ભાર મુક્યો હતો.
બેઠકમાં આત્મા-બાગાયત-કૃષિ વિભાગના અધિકારીઓ, લાઇન વિભાગોના પ્રતિનિધિઓ, બોર્ડ સભ્યો તથા સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.








