પ્રીતેશ પટેલ માકણા

કામરેજના માંકણા ગામે આવેલ ઓરેન્જ ટેક્સટાઇલ હબના ડેવલોપરની ખુલ્લી દાદાગીરી : રાત્રિ દરમિયાન ગેરકાયદે ગટર લાઇન ખોદવાનું યથાવત
ઓરેન્જ ટેક્સટાઇલ હબ ના ડેવલોપર દ્વારા ગેરકાયદેસર રીતે ગટરની લાઈન રાત્રિના સમયે ખોદવામાં આવે છે ગ્રામજનો દ્વારા અટકાવવા જતા ગ્રામજનોને ધાક ધમકી આપવામાં આવે છે.
સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારની મંજૂરી વિના, ખેતીની જમીનને નુકસાન પહોંચે તેવી રીતે ગટર લાઇન ખોદવામાં આવી રહી છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર મામલે (GPCB) ની ભૂમિકા પણ શંકાસ્પદ બની રહી છે. નિયમ મુજબ કોઈપણ ઔદ્યોગિક પ્રોજેક્ટમાં ગટર લાઇન, નિકાસ અને પ્રદૂષણ સંબંધિત કામ માટે સ્પષ્ટ મંજૂરી ફરજિયાત હોય છે, છતાં અહીં નિયમો માત્ર કાગળ પર જ લાગુ પડતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
રાત્રે જ કામગીરી શરૂ થવી અને દિવસ દરમિયાન મૌન છવાઈ જવું એ દર્શાવે છે કે કંઈક છુપાવવા માટે જ આ બધું કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો પ્રશ્ન કરી રહ્યા છે કે જો બધું કાયદેસર છે તો કામ રાત્રે જ કેમ?
ગ્રામજનો અને ખેડૂતો હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે જો તાત્કાલિક અસરકારક કાર્યવાહી નહીં થાય તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. પ્રશાસન અને સંબંધિત વિભાગો આંખ મીંચીને બેઠા રહેશે તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે.








