વ્યારા વિકાસ શાહ
તાપી જિલ્લાના નાગરિકોના જીવન માપદંડ, આરોગ્ય, પોષણ, શિક્ષણ, આધારભુત સેવા અને સુવિધાઓમાં ગુણાત્મક સુધારો લાવવાના આશય સાથે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ’ હેઠળ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ કુપોષણ દૂર કરવા માટે આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રો પર કામગીરી વધુ સઘન બનાવવા, શાળાએ જતા બાળકોની હાજરી બાબત તેમજ પીવાનું પાણી, સ્વચ્છતા (શૌચાલય), વીજળી, રાંધણ ગેસ અને પાકા મકાન જેવી પાયાની સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેક્ટરએ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો અને ગરીબી નિર્મૂલન માટેના વિવિધ ૧૨ જેટલા સૂચકાંકો પર ભાર મૂક્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, નાયબ કલેક્ટર નિશાંત કુગાશિયા, જિલ્લા પુરવઠા અધિકારી સાગર મોવાલિયા સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.








