વ્યારા વિકાસ શાહ
તાપી જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં બુગાલિયાએ જિલ્લામાં બનતી નકારાત્મક ઘટનાના અહેવાલને કેન્દ્રમાં રાખીને ત્વરિત નિકાલ અંગે સંબંધિત વિભાગના અધિકારીને સૂચનો કર્યા હતા. વધુમાં પોર્ટલ તેમજ અરજદારો દ્વારા જિલ્લા અને તાલુકા સ્વાગત કરવામાં આવેલા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા પણ સૂચના આપી હતી.
બેઠકમાં પડતર અરજીઓ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો, ઇ-સરકાર પોર્ટલની અમલવારી તેમજ જનપ્રતિનિધિઓની રજૂઆતો અને પ્રશ્નો સહિતની તમામ બાબતો પર ઝીણવટ પૂર્ણ ચર્ચા કરીને તેના નિરાકરણ માટે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.
સંકલન બેઠક બાદ નિવાસી અધિક કલેક્ટર આર.આર.બોરડ ના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી, પુરવઠા અને તકેદારી આયોગની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










