વ્યારા વિકાસ શાહ
રાજ્યના આદિજાતિ મંત્રી તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે, રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતેથી વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ હેઠળના વિવિધ વિકાસકામોની વિગતવાર ચર્ચા માટે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. ઉપરાંત ગત વર્ષો તથા ચાલુ વર્ષ દરમિયાન પૂર્ણ થયેલા કામો, પ્રગતિ હેઠળના કામો, તેમજ કામોને ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે જરૂરી રચનાત્મક સૂચનો આપ્યા હતા. નોંધનીય છે કે, સિંચાઈ, રોડ-રસ્તા, તાલુકાકક્ષાના વિકાસકામો તેમજ આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, સુરજભાઈ વસાવા,તાપી જિલ્લા પ્રભારી સચિવ મિલિન્દ તોરવણે,જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા,તેમજ ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










